ઓસ્કર ફિવર(Moonlight)

moonlight_2016_film

“At some point, you gotta decide for yourself who you’re going to be. Can’t let nobody make that decision for you.”

“જીવનમાં ક્યારેક તો તમારે નક્કી કરવું જ પડે છે કે તમે શુંબનશો? તમે તે નિર્ણય બીજા પર ન છોડી શકો.”

આપણું વ્યક્તિત્વ સંજોગોને આધીન છે. આપણે બાળપણમાં આકાર વિહીન ભીની માટી જેવા હોઈએ છીએ જે સમય જતા સંજોગોના ચાકડે ચડીને ઘડાય છે. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તે જીવનમાં કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયો છે તેના દ્વારા ઘડાય છે. કોઈ નસીબદારને જીવનમાં સઁઘર્ષ નથી કરવો પડતો જયારે કોઈને સઁઘર્ષ સિવાય બીજું કશું જ નથી મળતું. આવા જ એક સઁઘર્ષમય જીવનની વાત કેહતી ફિલ્મ એટલે મૂનલાઇટ.

મૂનલાઇટ ફિલ્મ કથા છે એક હબસી બાળક ચેરોનની(Chiron) જે ખુબ કપરા સંજોગોમાંથી પસાર થાય છે. ચેરોન મિઆમીના એક ડ્રગ્સ માટે કુખ્યાત વિસ્તારમાં તેની ડ્રગ એડિક્ટ માં સાથે રહે છે જેને છોકરાની સંભાળ રાખવામાં રસ નથી. તેના બાપનો કોઈ પતો નથી. છોકરો શારીરિક રીતે અશક્ત છે અને બીજા છોકરાઓ કરતા અલગ છે(કઈ રીતે અલગ છે તે જાણવા ફિલ્મ જોવી પડશે) માટે તે સતત તેના સાથીઓની ક્રુરતાનો ભોગ બનતો રહે છે. આવા જ એક હુમલામાંથી બચવા જતા તેની એક ડ્રગ્સનો ધન્ધો કરતા માફિયા સાથે તેની મુલાકાત થાય છે. બન્નેની દોસ્તી જામે છે. છોકરા માટે માફિયાનું ઘર એક આશરો બની રહે છે. છોકરો જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તેની તકલીફો પણ વધતી જાય છે. ફિલ્મમાં તેનો સંઘર્ષ આબાદ જીલાયો છે.

મૂનલાઇટ ફિલ્મનો ટોન ડાર્ક છે. મોટા ભાગની ફિલ્મ કાળા અને વાદળી ફિલ્ટર વડે ફિલ્માવવામાં આવી છે. ફિલ્મનો વિષય કદાચ બધા લોકોને અપીલ ન પણ કરે. ઘણા લોકોને આ ફિલ્મ બોરિંગ લાગી શકે છે. અમેરિકન ઓડિયન્સને આ ફિલ્મ વધારે અપીલ કરે તેમ છે. ચેરોનની અલગ અલગ ઉમરનું પાત્ર ત્રણ અલગ અલગ અભિનેતાઓએ સરસ રીતે રજૂ કર્યું છે. ફિલ્મનો સાચો પ્રાણ ડ્રગ માફિયાના માત્ર વિસ મિનિટના પાત્રમાં જબરદસ્ત અભિનય કરી ગયેલ મહેરશેલા અલી(Mahershala Ali) અને માંની ભૂમિકા ભજવનાર નાઓમી હેરિસ(Naomie Harris) છે.

મારા મતે ઓસ્કરની જ્યુરી અને સામાન્ય અમેરિકન પબ્લિક રંગભેદના વિષય પર બનેલી ફિલ્મો પ્રત્યે પક્ષપાત રાખે છે. ભૂતકાળમાં બેસ્ટ ફિલ્મનો ઓસ્કર જીતવા લાયક ફિલ્મોને રંગભેદ પર બનેલી ફિલ્મોના કારણે ઓસ્કર નથી મળ્યા(જેમકે ગ્રેવટીને નોહતો મળ્યો). આ વખતે આશા રાખીએ કે આ ફિલ્મ લા લા લેન્ડનો બેસ્ટ ફિલ્મનો ઓસ્કર ન લઇ જાય. આ ફિલ્મને કુલ છ નોમિનેશન મળ્યા છે જેમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતવાની દાવેદાર ફિલ્મ.

ફિલ્મનું ટ્રેઈલર :-

 

Next – ઓસ્કર ફિવર(Manchester by the sea)

Advertisements

ઓસ્કર ફીવર(La La Land)

દર વર્ષની જેમ ફરીથી સમય આવી ગયો છે ગયા વર્ષની બેસ્ટ ફિલ્મો જોવાનો. દર વર્ષે ઓસ્કરના નોમિનેશન જાહેર થાય પછી નેટ પર નોમિનેટ થયેલી મુવીઝ શોધવાનું શરૂ થઇ જાય. ભારતમાં તો ઓસ્કરમાં નોમિનેટ થયેલી મોટાભાગની ફિલ્મો રીલીઝ પણ નથી થતી અને થાય તો પણ ખાસ પબ્લિસિટી કરવામાં નથી આવતી. મારા જેવા મોટા શહેરોમાં ન રહેતા હોય તેવા ફિલ્મના રસિયાઓએ તો ફરજીયાત નેટનો જ આશરો લેવો પડે છે. આ વર્ષે મુકેશભાઈ(જીઓ વાળા)ની અસીમ કૃપા અને સરકારની ટોરેન્ટ સાઈટો પરની સેન્સરશીપને કારણે થોડું વિચિત્ર વાતાવરણ સર્જાયું. નેટનો ડેટા વપરાવાની ફિકર નોહતી પણ નેટ પર ફિલ્મો શોધવામાં બહુ તકલીફ પડી. તેમ છતાં મહામહેનતે બેસ્ટ ફિલ્મમાં નોમિનેટ થયેલી નવ ફિલ્મોમાંથી છ ફિલ્મો જોઈ નાખી.

આ ફિલ્મોમાંથી ઘણી જાણીતી છે ઘણી અજાણી. કેટલીક વિષે તમે જાણતા હશો કેટલીક વિષે નહીં. ચાલો ત્યારે શરૂ કરીએ તેમની સફર.

LLL d 12 _2353.NEF

સપના જોવા એ દરેક મનુષ્યનો જન્મ સિદ્ધ અધિકાર છે. આપણા પૂર્વજોએ જોયેલા સ્વપ્નો અને તેમની સિદ્ધિ માટે કરેલી મહેનતના કારણે જ આપણે વિકાસ કરી શક્યા છીએ. સપના જોવાવાળા ગાંડાઓએ(fool’s who dream) જ આ દુનિયા બદલી છે. એવા ગાંડાઓ જે પોતાના સ્વપ્નોને સિદ્ધ કરવા માટે દુનિયાની પરવાહ કર્યા વગર મહેનત કરતા રહ્યા.

જીનિયસ(Genius) અંગ્રેજી શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે જે અજ્ઞાત શક્તિના અસ્તિત્વ માટે વપરાતો. રોમન લોકો આ શબ્દ કોઈ કાર્યમાં કે વ્યક્તિમાં અજ્ઞાત કે દૈવી શક્તિની હાજરી માટે વાપરતા. આજે પણ કોઈ પણ અદભુત સર્જન કે કામ કરનારાઓ માટે જીનિયસ શબ્દ વપરાય છે. આપણે જયારે આવા સર્જનો જોઈએ કે અનુભવીએ ત્યારે ચોક્કસ તેના સર્જનમાં કોઈ અજ્ઞાત શક્તિનો હાથ હોવાનો અનુભવ થાય છે. આવા જ ઘણા બધા જીનિયસ કલાકારોનું સહીયારું સર્જન એટલે લા લા લેન્ડ.

તમે કદાચ લા લા લેન્ડ વિષે ઘણું વાંચી ચુક્યા હશો અને કદાચ આ ફિલ્મ જોયી પણ હશે. ફિલ્મના જેટલા વખાણ તમે સાંભળ્યા કે વાંચ્યા છે તે ખરેખર ઓછા છે. આ ફિલ્મ એક નશો છે જે તમારા પર ફિલ્મ જોયા પછી દિવસો સુધી ચડેલો રહે. બહુ ઓછી ફિલ્મો આ લેવલ પર પોહચી શકે છે. આ ફિલ્મ એટલે એક સતત સાથે રહેતી લાગણી. આ ફિલ્મનો નશો એટલો જબરદસ્ત છે કે તમારે તેને બીજી વાર જોવી જ પડે(આપણો અત્યાર સુધીનો સ્કોર ત્રણ વખતનો છે).ફિલ્મનું સંગીત કાયમી ધોરણે મોબાઈલ કે પેનડ્રાઇવમાં સંઘરી રાખવા જેવું છે. ફિલ્મના નિર્દેશક ડેમિયન ચઝેલ(Damien Chazelle)ની ઉમર માત્ર બત્રીસ વર્ષની છે. તેમની પેહલી ફિલ્મ Whiplash પણ એક સરસ ફિલ્મ હતી. માત્ર બે ફિલ્મો બનાવીને ચઝેલ વિશ્વના શ્રેષ્ઠ નિર્દેશકોની હરોળમાં ગોઠવાઈ ગયા છે.

ફિલ્મ એક લવસ્ટોરી છે જે તૂટેલા સ્વપ્નો અને તૂટેલા હૃદયોની વાત કરે છે. એમ્મા સ્ટોન(Emma Stone) અને રાયન ગોસલિંગ(Ryan Gosling) વચ્ચેની કેમેસ્ટ્રી એટલી જબરદસ્ત છે કે તમને ટાઇટેનિકના કેટ અને લિઓ યાદ આવી જાય.ફિલ્મ ટેકનિકલી કેટલી પરફેક્ટ છે તેનો પુરાવો તેને મળેલા ચૌદ ઓસ્કર નોમિનેશન છે. ટાઇટેનિક અને ઈટ’સ ઓલ અબાઉટ ઇવ પછી લા લા લેન્ડ આટલા નોમિનેશન મેળવનારી પ્રથમ ફિલ્મ છે. આપણી તો ધારણા એવી છે કે કદાચ ઓસ્કર જીતવામાં પણ રેકોર્ડ કરશે.

ફિલ્મનું ટ્રેઇલર :-

 

Next :- ઓસ્કર ફીવર(Moonlight)

જીવનરૂપી વૃક્ષ.

the-tree-of-life

 

આપણે અહીંયા(એટલે કે પૃથ્વી પર) કેમ છીએ? શું આપણને ઘડનારો હજુ સુધી આપણી દેખરેખ કરે છે? કે એ આપણને બનાવીને ભુલી ગયો છે? જો આપણે એનું સર્જન હોઈએ તો એ શા માટે તેના સર્જનને તકલીફો આપે છે? આવા પ્રશ્નો બૌદ્ધિક લેવલે થવા જોઈએ. ઘણાને થાય છે. ઘણા લોકોને નથી થતા. જેને નથી થતા એ લોકો સુખી છે.  Ignorance is bliss(બર્ડમેન કોને યાદ આવ્યું?) એટલે કે ન જાણવામાં નવ ગુણ.

ઈશ્વરે સર્જેલા જીવનનું એક આગવું સૌંદર્ય છે. એ પોતાની પીંછીઓ વડે આ પૃથ્વી પર રંગો પૂર્યે જાય છે. આપણું ધ્યાન જીવનની ઘટમાળમાં તેણે આ પૃથ્વી પર વેરેલા રંગો તરફ નથી જતું. ક્યારેક આંખો બંધ કરીને આસપાસના અવાજો સાંભળવાનો પ્રયત્ન કરી જુઓ. તમને અલગ જ અનુભવ થશે. ક્યારેક આજુબાજુના વાતાવરણ પ્રત્યે સભાન પણ બનવું જોઈએ. કુદરતના સૌંદર્ય પ્રત્યેની સભાનતા ઘણું શીખવાડી શકે છે.

આપણી એટલે કે મનુષ્યજાતિની આ પૃથ્વી પરની હાજરીને બ્રહ્માંડની ઉંમરની સાપેક્ષે બહુ સમય નથી થયો. એટલે,કે બ્રહ્માંડની ઉત્પત્તિ પછી આપણી આ પૃથ્વી પરની હાજરી હમણાંની જ છે. બ્રહ્માંડની અનંતતાની સાપેક્ષે આપણે બહુ વામન છીએ. ભલે આપણે આપણી જાતને બહુ મહત્વ આપીએ પણ હકીકત એ છે કે આપણી ઔકાત આ વિશાળ બ્રહ્માંડમાં કંઈ જ નથી.

******

કેટલાક ફિલ્મ મેકર્સ પાસે કેમેરા પાસેથી કામ લેવાની અદભુત આવડત હોય છે. સંજય લીલા ભણશાળી, એલેકઝાન્ડ્રો ઈનારીતું, સ્ટીવન સ્પીલબર્ગ વગેરે જેવા જીનિયસ ડાયરેકટર્સનું નામ આવી આવડત ધરાવતા ફિલ્મ મેકર્સમાં લઇ શકાય. ટેરેન્સ મલેક પણ એવું જ એક નામ છે. ઉપરનો વિચારોનો ઉભરો તેમની ફિલ્મ The Tree of Life જોયા પછીનો છે. The Tree of Life એક વિઝ્યુઅલ માસ્ટરપીસ છે જાણે પડદા પર રચાયેલી કવિતા. એક જ ફિલ્મમાં બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈને સજીવોની ઉત્પત્તિ સુધીની વાત ફિલ્મની વાર્તા સાથે વણી લેવી એ અઘરું કામ છે. ટેરેન્સ મલેકે તે બહુ કુશળતાથી કર્યું છે.

the-tree-of-life-2

ફિલ્મની કથાવસ્તુ 1940-50 થી વર્તમાન સમય સુધી એક પરિવાર કે જેમાં માં-બાપ અને ત્રણ દીકરાઓ છે, તેમની આસપાસ ફરે છે. માં થોડી ધાર્મિક છે જયારે બાપ કડક અને શિસ્ત પ્રેમી છે. મોટા છોકરાને બાપ સાથે બનતું નથી. માં બન્નેને જોડી રાખતી કડી છે. માંના પ્રેમાળ ઉછેર અને બાપના શિસ્તબદ્ધ ઉછેર વચ્ચે છોકરાઓ મોટા થાય છે. ફિલ્મ ત્રણેય માંથી એક છોકરાના આકસ્મિક મોતના સમાચાર સાથે શરૂ થાય છે. ફિલ્મની ટાઈમ લાઈન સુરેખ નથી. ફિલ્મની વાર્તા ફેલશબેક અને વર્તમાન વચ્ચે જોલા ખાય છે. તે જ રીતે ફિલ્મ પ્રકૃતિ અને કોન્ક્રીટના જંગલો વચ્ચે પણ જોલા ખાય છે. અહીં, બન્ને વચ્ચેનો તફાવત સ્પષ્ટ નજરે ચડે છે.

ફિલ્મમાં કેમેરો પાત્રો સાથે ફરે છે. ફિલ્મનો મોટોભાગ ક્લોઝઅપ અને વાઈડ એન્ગલ લેન્સથી ફિલ્માવવામાં આવ્યો છે જેને કારણે ફિલ્મ જોતા આપણે ત્યાં હાજર હોઈએ એવો અનુભવ થાય છે. અહીં કેમેરો પોતે એક પાત્રની જેમ વર્તે છે. પ્રકૃતિને અને આસપાસ વાતાવરણને પણ મલેકે ક્લોઝઅપથી ફિલ્માવ્યા છે. બહુ ઓછી ફિલ્મોમાં પ્રકૃતિને પોતાના અસલી સ્વરૂપમાં ઝીલવામાં આવી છે. The Tree of Life તેમાંની એક છે. લીલા ઘાંસ પર ફરતો હાથ, આકાશમાં હવાને લીધે આમતેમ ઉડતા પંખીઓ, માંની છાતી પર આરામ કરતુ શિશુ, દોડતા-પડતા બાળકો અને તેમની સાથે દોડતો કેમેરો, છોકરાઓને સવારે ઉઠાડવા પગે બરફની ટ્રે ઘસતી મમ્મી-જેવા દ્રશ્યો અલગ અનુભવ કરાવે છે.

બ્રેડ પીટ અને સોન પેન જેવા ધુરંધર એક્ટરોએ સારી એક્ટિંગ કરી છે પણ આ ફિલ્મ છે જેસીકા ચેસ્ટેઈન અને સોન પેનનું બાળપણનું પાત્ર ભજવતા હન્ટર મેકકરેનની. દીકરાના મોતને લીધે ભગવાનના અસ્તિત્વ વિષે સવાલ કરતી માંના રોલમાં જેસીકાએ કમાલની એક્ટિંગ કરી છે.

તમારી આસપાસના વિશ્વને જુદી નજરે જોવાનું શરૂ કરવું હોય તો અચુક જોવા જેવી ફિલ્મ.

Full Movie Link  :-

 

ફિલ્મનું ચૌદ મિનિટનું મસ્ત દ્રશ્ય જે મોટા પડદા પર જોવાની વધુ મજા પડે  :-

 

પ્રવેશદ્વાર

પ્રવેશદ્વાર

Hello,

ભારતીય પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે કે શબ્દ પોતે બ્રહ્મ સ્વરૂપ છે. પશ્ચિમમાં બહુ પ્રચલિત વાક્ય Knowlwdge is power નું આ એક્સટેન્શન એટલે કે વિસ્તાર છે. આપણે જ્ઞાનને માત્ર શક્તિ નથી માનતા પણ આપણે તેને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. આપણી આ જ પૌરાણિક માન્યતાના કારણે જ આપણા પૂર્વજોએ જ્ઞાનનો ફેલાવો કરવા પર વધુ ભાર આપ્યો. તેમણે પોતાના જ્ઞાનને પુસ્તકોમાં બાંધી રાખવાને બદલે લોકો વચ્ચે કથાઓ અને વાર્તાઓ સાથે જોડીને ફરતું કર્યું.આપણા પૂર્વજો આપણા કરતા વધારે શેર કરવામાં માનતા હતા.અનુભવો અને જ્ઞાન વહેંચવાથી વધે છે તેવી પણ એક માન્યતા છે. આ માન્યતાને સાર્થક કરવાનો આ બ્લોગ એક નાનકડો પ્રયાસ છે.
ઘણા સમયથી વિચારતો હતો કે એક બ્લોગ શરૂ કરું પણ શેના વિષે લખવું તે નોહતી સમજણ પડતી. હું પોતે કોઈ વિષયનો એક્ષપર્ટ નથી. થોડું ઘણું શોખ ખાતર લખું છું. હાં, ટુંકી વાર્તાઓ લખવાનો શોખ ખરો. આમ તો હું વિજ્ઞાનનો માણસ. પેરા મેડીકલ ફીલ્ડમાં છેલ્લા સોળ વર્ષથી કાર્યરત છું. વાંચવાના શોખને કારણે ક્યારે લખવા લાગ્યો તે ખબર જ ના પડી. અત્યારે પ્રતિલિપિ પર અને ક્યારેક ફેસબુક પર લખું છું.

આ બ્લોગ પર મોટે ભાગે પુસ્તક પરીચય અને ફિલ્મો વિષેની પોસ્ટ હશે. ક્યારેક નેટ પરથી કોઈ સારી સાઈટ વિષેની માહીતી કે ટી.વી. શોના રિવ્યુઝ પણ હશે. જો તમે પુસ્તકિયા કીડા, મુવીઝ લવર કે ટી.વી.ના રસિયા હશો તો તમને અહીંયા મજા આવશે. મને બ્લોગ લખવાનો કોઈ જ અનુભવ નથી એટલે ભગવાન તમને બધા ને મને સહન કરવાની શક્તિ આપે. હજું હું વર્ડપ્રેસ પર પા પા પગલી ભરી રહ્યો છુ એટલે કદાચ તમને આ બ્લોગ વધારે એટ્રેક્ટિવ ન લાગે પણ શીખવાનું ચાલુ છે. આશા છે કે ધીરે ધીરે વધારે વિભાગો પણ ઉમેરીશ. Thanks for reading… and welcome to the fantasy world.

મારા પ્રતિલિપિ પરની વાર્તાઓની લિંક :

વાર્તાઓનો ગુલદસ્તો